દામનગર શહેરમાં આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રામાં દામનગર શહેર ભાજપ પ્રમુખ નરેશ મકવાણા, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન તેમજ શહેર ભાજપના મહામંત્રી સહિતના આગેવાનો જોડાયા હતા. તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રી સહિતના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ જનમેદની સાથે યોજાયેલી આ તિરંગા યાત્રામાં લોકો હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવતા જોવા મળ્યા હતા. યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો તેમજ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દેશભક્તિના માહોલથી દામનગર શહેર ગુંજી ઉઠ્યું હતું.







































