અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડિયાએ બુધવારે બાબરા તાલુકા પંચાયતની મુલાકાત લઈ વિવિધ શાખાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં તાલુકામાં ચાલી રહેલા વિકાસ કામોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દક્ષાબેન ચોડવડિયાએ અધિકારીઓને વિકાસલક્ષી યોજનાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ પ્રજાલક્ષી કામોમાં વધુ ઝડપ લાવવા જણાવ્યું હતું. તેમણે સરકારની વિવિધ યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી સમયસર પહોંચે તે માટે તમામ વિભાગોએ સંકલનથી કામગીરી કરવા ભાર મુક્યો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા પંચાયત પ્રમુખ તુષારભાઈ રામાણી, કિરીટભાઈ બગડા, વિઠ્ઠલભાઈ ગ્રાભડિયા, મધુભાઈ ગેલાણી, વિહાભાઈ વાઢીયા, જયેશભાઈ સુતરીયા, જયસુખભાઈ રામાણી, ઝવેરભાઈ કટેશિયા તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત પરિવાર દ્વારા દક્ષાબેન ચોડવડિયાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.