ઉના તાલુકાના દેલવાડા ગામમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં મતદાર યાદીને લઈને વિવાદ સર્જાયો છે. ગામના ૧૩૦૦થી વધુ મતદારોનાં નામો અંગે પ્રશ્નો ઊભા થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ મામલે ગામના પૂર્વ સરપંચ વિજય બાંભણીયા અને તેમની ટીમે મામલતદારને આવેદનપત્ર પાઠવી સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે. આવેદનપત્રમાં મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પૂર્વ સરપંચે આક્ષેપ કર્યો છે કે આગામી ચૂંટણીમાં રાજકીય નુકસાન પહોંચાડવાના હેતુથી વિરોધ પક્ષ દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું છે. આ કામગીરીમાં નજીકના ગામના તલાટી-મંત્રીનો ઉપયોગ કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, દેલવાડાના વર્તમાન તલાટીને રજા પર ઉતારી તેમની ગેરહાજરીમાં મતદાર યાદી સંબંધિત કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર મામલે તપાસ
કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.