અમરેલી જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીના વોર્ડ સીમાંકન તથા ઘર-વાઈઝ મતદાર યાદીમાં ગંભીર વિસંગતતાઓ હોવાના મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત વાંધો ઉઠાવ્યો છે. રજૂઆત મુજબ, નિયમો વિરુદ્ધ વોર્ડ દીઠ મતદારોની સંખ્યામાં મોટો તફાવત છે અને ભૌગોલિક સળંગતા જાળવવાને બદલે એક જ શેરી, ફળિયા કે પરિવારના બાજુ-બાજુના ઘરોને અલગ-અલગ વોર્ડમાં વહેંચી દેવાયા છે. વધુમાં, ૦૭/૧૧/૨૦૨૬ થી પંચાયતના નોટિસ બોર્ડ પર મતદાર યાદી જાહેર નિરીક્ષણ માટે મૂકવાની સૂચના હોવા છતાં હજુ સુધી પ્રસિદ્ધ ન કરાતા નાગરિકો વાંધા-સૂચનો રજૂ કરવાથી વંચિત રહી શકે છે. આથી, તમામ વિસંગતતાઓ તાત્કાલિક દૂર કરી પારદર્શક રીતે મતદાર યાદી પ્રસિદ્ધ કરવા અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા પ્રતાપ દુધાતે માંગ કરી છે.