બગસરામાં ઘુડેસિયા જવાના માર્ગ પર આવેલા ખેડૂતના તબેલામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળતાં અંદાજે રૂ. ૧૦ લાખનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે ખેડૂતને ભારે આર્થિક નુકસાન થયું છે.મળતી માહિતી મુજબ, રવિવારે સવારે આશરે ૯ વાગ્યાના અરસામાં હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ હિરાણીના તબેલામાં આવેલા પતરાના શેડમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં શેડમાં સંગ્રહિત ઘાસચારો આગની લપેટમાં આવી ગયો હતો.ઘટનાની જાણ થતાં બગસરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે, આગ વધુ ફેલાતાં અમરેલી ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. બંને ટીમોએ સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને આંશિક કાબૂમાં લીધી હતી. આગમાં આશરે ૩૦૦ પશુઓનો ઘાસચારો બળીને નાશ પામતાં ખેડૂતને મોટું નુકસાન થયું છે.