બાબરા શહેરના નાના બસ સ્ટેન્ડ નજીક આવેલી ખોજા ખાના શેરીમાં મહિલાની હત્યાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મૃતક મહિલાની ઓળખ શારદાબેન વિનોદભાઈ ગોહિલ (ઉંમર આશરે ૪૦ વર્ષ) તરીકે થઈ છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં અરેરાટી ફેલાઈ છે.આ બનાવ અંગે બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર ઔસુરાએ ‘સંજોગ ન્યૂઝ’ને જણાવ્યું હતું કે, શારદાબેન અને તેમના પતિ વિનુભાઈ ગોહિલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પારિવારિક ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાએ બે દિવસ પહેલાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દરમિયાન આરોપી પતિ વિનુભાઈએ પોતાની પત્ની શારદાબેનના માથામાં બોથડ પદાર્થના ઘા મારી તેમની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી ધોલેરા તરફ નાસી ગયો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પિતા-પુત્રએ ઝેરી દવા પી આપઘાત કર્યો
બાબરામાં પત્ની શારદાબેનની હત્યા નિપજાવ્યા બાદ આરોપી વિનુભાઈ પોતાના પુત્ર સોહન(ઉ.વ.૧૯) પાસે ધોલેરા ખાતે નાસી ગયા હતા. જયાં પત્નીની હત્યા કર્યા બાદ પોતાના પુત્ર સોહન સાથે આરોપી વિનુભાઈએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આમ, પત્નીની હત્યા અને આરોપી પતિએ પુત્ર સાથે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ઘટના સામે આવતા સમગ્ર બાબરા પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.

પરિવાર મૂળ ધોલેરા ગામનો હોવાનુ જાણવા મળ્યુ
જાણવા મળતી માહિતી મુજબ વિનુભાઈ ગોહેલ, તેમના પત્ની શારદા અને પુત્ર સોહન મૂળ ધોલેરા ગામના હતા અને છેલ્લાં ૭ વર્ષથી બાબરા ખાતે આવીને રહેતા હતા. દંપતી વચ્ચે કોઈ વાતને લઈ છેલ્લાં ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા કરતા આરોપી વિનુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પત્ની શારદાબેનને માથામાં આડેધડ ધોકાના ઘા મારતા શારદાબેનનું સ્થળ પર મોત થઈ ગયુ હતુ. જા કે પુત્ર દિવાળી સમયથી ધોલેરા ખાતે રહેતો હોય આરોપી વિનુભાઈ પત્નીની હત્યા કર્યા બાદ ધોલેરા ખાતે નાસી ગયા હતા.