બાબરા શહેરના કરિયાણા રોડ વિસ્તારમાંથી છેલ્લા એક મહિનાથી ગુમ થયેલી ૧૯ વર્ષીય યુવતીને શોધી કાઢવામાં બાબરા પોલીસની સર્વેલન્સ ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે. કરિયાણા રોડ પર રહેતી રૈતનાબેન મહેશભાઈ ખીમસુરિયા એક મહિના પૂર્વે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી. આ મામલે બાબરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એમ.એમ. ગમારાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સઘન શોધખોળ ચલાવતા યુવતી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાંસલી ગામે હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી અને તેના પરિવારજનોને સોંપી સુખદ મિલન કરાવ્યું હતું.



































