જામનગર જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસને મોટી સફળતા મળી છે. ધ્રોલ પોલીસે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી વિદેશી દારૂની ૧,૫૦૦ પેટી ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ટ્રકમાંથી અંદાજે ૭૨ હજાર નાની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય સામગ્રી સહિત કુલ ૮૨,૦૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે.રાજકોટ રેન્જના ડીઆઇજી નિર્લિપ્ત રાય તેમજ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન રાજકોટ તરફથી એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો જામનગર તરફ લઈ જવાતો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એન. ખાચર અને તેમની ટીમે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૧,૫૦૦ પેટીઓ મળી આવી હતી. જેમાં અંદાજે ૭૨ હજાર નાની બોટલો હતી. પોલીસે ટ્રકચાલક ભગીરથ ઉર્ફે ભગો નાથાભાઈ કટારા (ઉંમર ૨૩, રહે. બાવળવાવ ગામ, પોરબંદર)ની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ દારૂનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના આલા ખીમાભાઈ કોડીયાતર અને પોપટ આલાભાઈ કોડીયાતરે મંગાવ્યો હતો. જ્યારે રાજસ્થાનના ભીલવાડાના રાજુ મારવાડીએ આ જથ્થો મોકલ્યો હોવાનું સામે આવ્યું છે.ધ્રોલ પોલીસની કાર્યવાહીમાં કુલ ૮૨,૦૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમાં વિદેશી દારૂની ૧,૫૦૦ પેટીઓની કિંમત ૭૨ લાખ, ટાટા કંપનીની ટ્રકની કિંમત ૧૦ લાખ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.
આ સમગ્ર ઓપરેશન પીઆઇ પી.એન. ખાચરના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેડ કોન્સ્ટેબલ રાજેશ કે. મકવાણા, કલ્પેશ ડી. કામરીયા, હરદેવસિંહ જે. જાડેજા, લાખા એલ. સોઢીયા, વિરભદ્રસિંહ એમ. જાડેજા સહિત અન્ય પોલીસ કર્મચારીઓ જાડાયા હતા. હાલ પોલીસે ઝડપાયેલા ટ્રકચાલકની પૂછપરછ હાથ ધરી છે અને દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે.






































