સાવરકુંડલા તાલુકાના દોલતી ગામે જૂની અદાવતનું મનદુઃખ રાખી ૧૩ શખ્સોએ વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી ફરિયાદી અને સાહેદ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત મુજબ, તા. ૨૧/૧૧/૨૬ ના રોજ બપોરે ૦૨/૩૦ વાગ્યે ફરિયાદી રાજવીરભાઇ મનુભાઇ ચાંદુ (ઉં.વ. ૨૩, રહે. ગોરડકા) તથા સાહેદ પ્રતાપભાઇ આપાભાઇ ચાંદુ તેમના સંબંધી દાદુભાઇ નાથાભાઇ ચાંદુની વાડીએ બેઠા હતા. આરોપીઓને દાદાભાઇ નાથાભાઇ ચાંદુ અને શૈલેષભાઇ સાથે સારા સંબંધ ન હોવાથી મનદુઃખ રાખી ૧૩ આરોપીઓએ એકસંપ કરી હથિયારો સાથે વાડીમાં પ્રવેશ કર્યો હતો. આરોપી નં. ૧ એ કુહાડી અને નં. ૨ એ લોખંડની પાઇપ વડે ફરિયાદીને માથામાં, જ્યારે નં. ૩ એ પાવડા વડે ડાબા પગના નળામાં ઇજા પહોંચાડી હતી. અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારતા ફરિયાદ નોંધાઈ છે.