સાવરકુંડલા શહેરમાં તુલસી વિવાહના પવિત્ર પર્વની ઉજવણી વચ્ચે રખડતા ઢોરનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. શહેરની શિવશક્તિ સોસાયટી અને નાગનાથ સોસાયટી વચ્ચેના જાહેર માર્ગ પર બે આખલાઓ વચ્ચે ભીષણ યુદ્ધ જામતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ભય તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મળતી વિગતો અનુસાર, બંને સોસાયટી વચ્ચેના રસ્તા પર બે આખલા સામસામે આવી જતાં એકબીજા પર તૂટી પડ્‌યા હતા. આખલાઓની આ હિંસક લડાઈના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો થંભી ગયા હતા અને રાહદારીઓ જીવ બચાવવા આઘાપાછા થઈ ગયા હતા. આ દરમિયાન સ્થાનિક રહીશ નિલેશભાઈએ હિંમત દાખવી લાકડીની મદદથી બંને આખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખલાઓ ઉશ્કેરાયેલા હોવાથી ભારે જહેમત બાદ પરિસ્થિતિ થાળે પડી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, તહેવારના દિવસે જ જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવા નક્કર કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.