અમરેલી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા કડવા પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારોહ-૨૦૨૬ ‘સ્નેહની સુવાસ – એકતાનો અહેસાસ’ અમર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. સમારોહની શરૂઆતમાં ગોરધનભાઈ સુરાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે વજુભાઈ ગોલ, કૌશિકભાઈ રાબડીયા અને ઠાકરશીભાઈ મેતલીયાએ સમાજમાં એકતા, ભાઈચારો અને શિક્ષણ સાથે ગણતર અપનાવી સંગઠિત થઈ આગળ વધવા પ્રેરણાદાયી આહવાન કર્યું હતું.આ પ્રસંગે વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સરકારી નોકરી મેળવનાર સમાજના ૩૩ તેજસ્વી યુવક-યુવતીઓનું ખેસ અને પ્રશસ્તિપત્ર આપી વિશેષ સન્માન કરાયું હતું. ઉપરાંત, કલામ ઇનોવેટિવ સ્કૂલ માટે બસ અને સેવન-ડી લેબોરેટરી માટે રૂ. ૫૦ લાખનું માતબર દાન આપવા બદલ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું વિશેષ અભિવાદન કરાયું હતું. તેમણે પોતાના ઉદ્બબોધનમાં રોજગારી અને સમાજની સમૃદ્ધિ માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો. સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ભરતભાઈ સુતરીયા અને મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.ભોજન દાતા રમેશભાઈ અને કલ્પેશભાઈ ગુમાસણાનું પણ સન્માન કરાયું હતું.
અંતમાં હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલીયાએ હાસ્યરસની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ કોટડીયા અને ભારતીબેન પટેલે કર્યું હતું તથા આભારવિધિ રમેશભાઈ ગુમાસણાએ કરી હતી.