બગસરા તાલુકાના પીઠડીયા ગામે રહેતી ૧૪ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી ભગાડી લઈ ગયા હોવાની ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, બગસરા તાલુકાના પીઠડીયા ગામે પ્રાથમિક શાળા પાસે રહેતા અને ખેતીકામ કરતા મહિલાની ૧૪ વર્ષ ૨૮ દિવસની સગીર પુત્રીને બાબરા તાલુકાના બાબરા ખાતે રહેતો સંજય ઉર્ફે સંદો ભરતભાઈ મકવાણા નામનો શખ્સ પ્રેમજાળમાં ફસાવી ગયો હતો.આરોપીએ સગીરા સગીરવયની અને અણસમજુ હોવાનું જાણવા છતાં તેના ભોળપણનો લાભ લઈ, લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ગત તા. ૧૬/૧૧/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાના અરસામાં પીઠડીયા ગામેથી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો. બગસરા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઓ. કે. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.