બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના જળાશયો તથા ચેકડેમોમાં ‘સૌની’ યોજના અંતર્ગત તાત્કાલિક પાણી છોડવા બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ સતાસીયાએ અમરેલી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, બગસરા પંથકમાં અપૂરતી સિંચાઈ વ્યવસ્થાના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી ખેડૂતોને બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ માથે પડે તેમ છે. તદુપરાંત, જળાશયોમાં પાણીના અભાવે પશુધન માટે ઘાસચારાની ગંભીર સમસ્યા સર્જાવાની શક્યતા છે.બગસરા તાલુકાના પીઠડીયા, માવજીંજવા, ડેરી પીપરીયા, મુંજીયાસર, રફાળા, શાપર, સુડાવડ, લુંઘીયા અને કાગદડી ગામોમાં સૌની યોજનાના વાલ્વ આવેલા છે. જો આ વિસ્તારોના ચેકડેમો અને તળાવોમાં નર્મદાના નીર છોડવામાં આવે, તો હજારો એકરમાં ઊભા પાકને નવું જીવનદાન મળી શકે તેમ છે. ખેડૂતો અને પશુધનના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવાય તેવી માંગ કરવામાં આવી છે.