લાઠીના ચાવંડ ગામ પાસે સ્પીડ બમ્પર આવતાં અચાનક બ્રેક મારવાના કારણે સરકારી બસ પાછળ પુરપાટ ઝડપે આવતો ટ્રક ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસના પાછળના ભાગે આશરે રૂ. ૩૦,૦૦૦નું નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું.હરદિપસિંહ પ્રતાપસિંહ ગોહિલ (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ ભાવનગર એમ.ટી. શાખાની સરકારી બસ આગામી ૧૫મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વ નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય તહેવારના કાર્યક્રમ સંબંધે સરકારી કામગીરી અર્થે અમરેલી તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસ ચાવંડ ગામ નજીક પહોંચતાં રસ્તા પર અચાનક સ્પીડ બમ્પર આવ્યું હતું. જેથી બ્રેક મારતાં જ, પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલો ટ્રક સરકારી બસ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં સરકારી બસને આશરે રૂ. ૩૦,૦૦૦નું નુકસાન થયું હતું. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એન.ગરૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.