અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે ‘રંગ કસુંબલ’ લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા. સમગ્ર મેદાન દર્શકોથી છલકાઈ ગયું હતું અને લોકસંસ્કૃતિ, લોકસંગીત સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.ડાયરામાં જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી, ઉર્વશીબેન રાદડિયા, વિવેક ચાંસલા અને વિજયદાન ગઢવી સહિતના કલાકારોએ મધરાત સુધી લોકસંગીત અને દેશભક્તિની રમઝટ બોલાવી હતી. કલાકારોની રજૂઆતોને લોકોએ ઉત્સાહભેર માણી હતી. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, જીતુ વાઘાણી, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.