લીલીયા સ્થિત અટલ ધારા કાર્યાલય ખાતે આગામી દિવસોમાં યોજાનાર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે સમીક્ષા અને આયોજન બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાલુકા પ્રભારી ભુપતભાઈ ભાયાણી તથા જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ ઉપસ્થિત રહ્યા હતા. ભુપતભાઈ ભાયાણીએ જણાવ્યું હતું કે દરેક ઘર, વેપારી પ્રતિષ્ઠાન અને સરકારી ભવન ઉપર ગૌરવભેર તિરંગો લહેરાય તે માટે સૌએ જોડાવું જરૂરી છે. જીગ્નેશ સાવજે અભિયાનનો ગ્રામીણ વિસ્તારો સુધી બહોળો પ્રચાર કરવા આહવાન કર્યું હતું. બેઠકમાં તિરંગા યાત્રા, જાગૃતિ કાર્યક્રમો અને ઘર-ઘર તિરંગો પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.








































