લિલિયા મોટા ખાતે આવેલા લિલિયા-પૂંજપાદર રોડ પર શ્યામવાડીથી પૂંજપાદર વચ્ચે મસમોટો ભુવો પડી ગયો છે તેમજ સમગ્ર રસ્તા પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સાવરકુંડલા, ગારીયાધાર અને કાંક્રચ જેવા અનેક ગામો માટે આ રોડ જીવાદોરી સમાન છે, જ્યાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. પરંતુ ખરાબ રસ્તાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. રાત્રિના સમયે આ માર્ગ પર લાઈટની સુવિધા ન હોવાથી ઘોર અંધારું રહે છે, જેના લીધે અંધારામાં ખાડા અને ભુવો ન દેખાવાથી ગંભીર અકસ્માત થવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે. આથી, કોઈ મોટી જાનહાની કે અકસ્માત થાય તે પહેલાં આ રોડનું તાત્કાલિક સમારકામ, સરફેસિંગ અને લાઈટોની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક રહીશ મહેશ સી. દવે અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ પ્રબળ માંગ કરવામાં આવી છે.








































