એએમટીએસ વિજિલન્સની કામગીરીમાં અમદાવાદ શહેરની લાલ બસ સેવા સાથે જોડાયેલા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં બસ સેવા લાખો નાગરિકોની રોજિંદી જરૂરિયાત બની ગઈ છે. આવી સ્થિતિમાં બસ સેવામાં નિયમોનું પાલન કરાવવાની જવાબદારી વિજિલન્સ વિભાગની મહત્વપૂર્ણ બની જાય છે. જાકે, વિજિલન્સ તપાસ દરમિયાન એએમટીએસ ના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા નિયમોના ભંગની અનેક ફરિયાદો અને ક્ષતિઓ સામે આવી છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન વિજિલન્સ વિભાગે ડ્રાઈવર અને કંડક્ટરો સામે કુલ ૫૬,૭૭૮ જેટલી નોટિસો ફટકારી છે. આ ઉપરાંત નિયમપાલનમાં નિષ્ફળ રહેલા ઓપરેટરો પાસેથી અંદાજે રૂ. ૨ કરોડ ૮૫ લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. બીજી તરફ, બસમાં મુસાફરી કરતા મુસાફરો સામે પણ ટિકિટ વગર મુસાફરી કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
એએમટીએસ બસ સેવા દરમિયાન ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા અલગ-અલગ પ્રકારના નિયમભંગની બાબતો વિજિલન્સ તપાસમાં સામે આવી છે. તેમાં નિયત બસ સ્ટોપ પર બસ ઊભી ન રાખવી, ફરજ દરમિયાન યુનિફોર્મ ન પહેરવો, મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ ન આપવી, મુસાફરો સાથે અયોગ્ય વર્તન કરવું અને ટ્રાફિક સિગ્નલ તોડવા જેવી ક્ષતિઓનો સમાવેશ થાય છે.
આ પ્રકારની ફરિયાદો અને નિયમભંગને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા સતત તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં ડ્રાઈવર અને કંડક્ટરોને મળીને ૫૬,૭૭૮ નોટિસ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આટલી મોટી સંખ્યામાં નોટિસ આપવામાં આવી હોવાના આંકડા પરથી એએમટીએસ બસ સેવામાં નિયમોના પાલનને લઈને ગંભીર સવાલો ઊભા થાય છે. જાહેર પરિવહનની બસોમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોવાથી ડ્રાઈવર અને કંડક્ટરની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ બને છે.
નિયમપાલનમાં નિષ્ફળ રહેલા ઓપરેટરો સામે પણ વિજિલન્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ઓપરેટરો પાસેથી અંદાજે રૂ. ૨ કરોડ ૮૫ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.એએમટીએસ બસ સેવા માટે ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા નિયમોનું પાલન થાય તે જરૂરી છે. બસ નિયત સ્ટોપ પર ઊભી રહે, મુસાફરોને યોગ્ય ટિકિટ આપવામાં આવે અને ફરજ દરમિયાન કર્મચારીઓ દ્વારા જરૂરી નિયમોનું પાલન કરવામાં આવે તે માટે વિજિલન્સ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે.દંડની આ મોટી રકમ દર્શાવે છે કે નિયમોના ભંગ સામે તંત્ર દ્વારા માત્ર નોટિસ જ નહીં, પરંતુ આર્થિક દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
એએમટીએસની બસ સેવામાં માત્ર ડ્રાઈવર અને કંડક્ટર જ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાની સ્થિતિ નથી. વિજિલન્સ વિભાગ દ્વારા ચાલુ બસોમાં હાથ ધરવામાં આવેલા ઓચિંતા ચેકિંગ દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરો પણ ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા છે.છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ ૨૮,૯૩૨ મુસાફરો ટિકિટ વગર ઝડપાયા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારા આ મુસાફરો પાસેથી રૂ. ૩૭ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.આ કાર્યવાહી દર્શાવે છે કે એએમટીએસમાં મુસાફરી કરતા કેટલાક મુસાફરો પણ ટિકિટ લેવાના નિયમનું પાલન કરતા નથી. જાહેર પરિવહન વ્યવસ્થાને યોગ્ય રીતે ચલાવવા માટે મુસાફરો તરફથી પણ નિયમોનું પાલન થવું એટલું જ જરૂરી છે. વિજિલન્સ વિભાગના ચેકિંગ દરમિયાન ટિકિટ વગર પકડાયેલા મુસાફરો દ્વારા અલગ-અલગ પ્રકારના કારણો આપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. કેટલાક મુસાફરો એવું કહેતા હોવાનું જણાવાયું છે કે તેઓ હમણાં જ બસમાં બેઠા છે. કેટલાક મુસાફરો રોકડા પૈસા ન હોવાનું કહીને ઓનલાઈન ટિકિટ લેવાની વાત કરે છે. જ્યારે કેટલાક મુસાફરો એવો બચાવ કરે છે કે કંડક્ટર તેમની સીટ સુધી ટિકિટ આપવા માટે આવ્યા જ નહોતા.જાકે, ચેકિંગ દરમિયાન ટિકિટ વગર પકડાયા બાદ દંડ ભરવાના મુદ્દે મુસાફરો અને વિજિલન્સ કર્મચારીઓ વચ્ચે રકઝક પણ થતી હોવાનું સામે આવ્યું છે.








































