પતિ-પત્ની વચ્ચેના વિવાદે હત્યાનું સ્વરૂપ લીધું છે. મોરબી રોડ પર પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકાના આધારે પતિએ છરીના ઘા મારી પત્નીની હત્યા કરી હોવાનો આરોપ છે. હત્યા બાદ આરોપી પતિએ ઝેરી દવા પીધી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી છે. ગૃહકંકાશ અને શંકાને હત્યા પાછળનું કારણ ગણાવતી પોલીસ તપાસમાં શું સામે આવ્યું?
રાજકોટના મોરબી રોડ પર આવેલા વેલનાથપરા વિસ્તારમાં ગત ૨૦ નવેમ્બરે એક મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. શારદાબેન પરસોંડા પર તેમના પતિ પ્રવીણભાઈએ છરી વડે હુમલો કર્યો હતો. ગળાના ભાગે છરીના ઘા ઝીંકાતા શારદાબેનનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ આરોપી પ્રવીણભાઈએ ઝેરી દવા પીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઘટના બાદ હત્યાના આરોપી પ્રવીણભાઈ પરસોંડાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આરોપી ફરાર હોવાથી બી ડિવિઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-૧ની ટીમો પણ તપાસમાં જાડાઈ હતી. અલગ-અલગ ટીમોએ આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસને હત્યા પાછળ પતિ-પત્ની વચ્ચે ચાલતા ગૃહકંકાશ અને પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા પ્રાથમિક કારણ તરીકે સામે આવ્યું હતું.
બી ડિવિઝન પોલીસે ૫૫ વર્ષીય પ્રવીણ પરસોંડાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં પત્નીના આડા સંબંધ હોવાની શંકાને લઈને બંને વચ્ચે વિવાદ થતો હોવાનું અને આ જ શંકાના આધારે હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
પ્રવીણભાઈ અને શારદાબેનને બે પુત્ર અને એક પુત્રી છે. દંપતી મોરબી રોડ પર આવેલી સ્કાય સોસાયટીમાં તેમના મોટા પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતા હતા. પ્રવીણભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા, જ્યારે તેમના મોટા પુત્ર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શારદાબેન મારવાડી યુનિવર્સિટીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. પત્નીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ બાદ હવે પોલીસ સમગ્ર ઘટનાના સંજાગો અને હત્યા પાછળના કારણોની વધુ તપાસ કરી રહી છે.








































