બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના આગામી ૧૬ ડિસેમ્બરના રોજ ભારતથી બાંગ્લાદેશ પરત ફરશે. છેલ્લા ૨ વર્ષથી વધુ સમયથી ભારતમાં રહી રહેલા શેખ હસીનાના પ્રવક્તાએ ૨૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ આ જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ તેમની પાર્ટી ‘અવામી લીગ’એ પણ ૧૬ ડિસેમ્બરે હાઇવે પર કબજા કરવાનું એલાન કર્યું છે, જ્યારે બાંગ્લાદેશ સરકારે તેમને હથકડીમાં લાવીને જેલમાં ધકેલવાની ચેતવણી આપી છે.
૧૬ ડિસેમ્બરે બાંગ્લાદેશમાં ૧૯૭૧ના મુક્તિ સંગ્રામ જીતની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત શેખ હસીનાએ પોતાની વાપસીની ચોક્કસ તારીખ જાહેર કરી છે, અને બાંગ્લાદેશ સરકાર પાસે પોતાના દસ્તાવેજા તથા સરકારી એરલાઇન ‘બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ’ની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
અવામી લીગે ફેસબુક પર પોસ્ટ કરીને શેખ હસીનાને ‘જનનેતા’ ગણાવ્યા અને જાહેરાત કરી કે ૧૬ તારીખે સમગ્ર દેશમાં હાઇવે પર જનતાનો કબજા રહેશે.
બાંગ્લાદેશના વિદેશ બાબતોના રાજ્યમંત્રી હુમાયુ કબીરે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને માત્ર હથકડીમાં અથવા કડક સુરક્ષા હેઠળ જ બાંગ્લાદેશ પરત લાવી શકાય છે. અન્ય એક મંત્રીએ પણ સ્પષ્ટ કર્યું કે, જો તેઓ પરત ફરશે તો તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાશે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૪ની હિંસામાં યુએન મુજબ આશરે ૧,૪૦૦ લોકોના મોત થયા હતા, જેમાં બાદમાં સત્તા ગુમાવનાર શેખ હસીનાને બાંગ્લાદેશની યુદ્ધ અપરાધ અદાલતે ગત વર્ષે નવેમ્બરમાં તેમની ગેરહાજરીમાં મોતની સજા સંભળાવી હતી.
બીજી તરફ બાંગ્લાદેશમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં તેમના સમર્થનમાં નીકળેલી અવામી લીગની રેલી પર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેમાં ૩૦થી વધુ કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. ઉપરાંત ગોપાલગંજની ૧૨ દુકાનો અને ક્રિકેટ સ્ટેડિયમ પાસેની ફૂલોની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને લોકોએ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.








































