સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરત પોલીસે મેગા કોમ્બીંગ ડ્રાઈવ હાથ ધરીને નશાના કારોબાર પર મોટો પ્રહાર કર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરીને પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ૧૭ કેસ નોંધ્યા છે અને ૨૨ આરોપીઓની ધરપકડ કરી છે. આ દરમિયાન ૭૨ કિલોથી વધુ ગાંજા, મેફેડ્રોન અને હાઈબ્રિડ ગાંજા મળી કુલ રૂ. ૩૬.૮૮ લાખથી વધુનો નશીલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત પોલીસ કમિશનર વાબંગ જમીરના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ મથકો દ્વારા આ વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની વિગતો મુજબ, મેફેડ્રોનના ૨ કેસમાં ૨૨ ગ્રામ ૫૫૬ મિલિગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૬૮,૯૧૦ છે. આ કેસમાં ૨ આરોપીઓ પકડાયા છે.
ગાંજાના ૧૪ કેસમાં ૭૨ કિલો ૨૫ ગ્રામ ૭૯૯ મિલિગ્રામ જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત રૂ. ૩૬,૦૩,૩૨૨ છે. આ મામલે ૧૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હાઈબ્રિડ ગાંજાના ૧ કેસમાં ૪ ગ્રામ ૭૩૦ મિલિગ્રામ જથ્થો (કિંમત રૂ. ૧૬,૫૫૫) સાથે ૧ આરોપી ઝડપાયો છે.
સુરત શહેરના સાતેય ઝોનની પોલીસ આ મેગા ડ્રાઈવમાં જાડાઈ હતી. ઝોન પ્રમાણે નોંધાયેલા કેસોની વિગતો આ મુજબ છેઃ ઝોન-૧ઃ ૫ કેસ,ઝોન-૨ઃ ૩ કેસ,ઝોન-૩ઃ ૨ કેસ,ઝોન-૪ઃ ૧ કેસ,ઝોન-૫ઃ ૩ કેસ,ઝોન-૬ઃ ૨ કેસ,ઝોન-૭ઃ ૧ કેસ
આ આંકડા મુજબ ઝોન-૧માં સૌથી વધુ ૫ કેસ નોંધાયા છે. આ ઝોનમાં કાપોદ્રા, વરાછા, અÂશ્વનીકુમાર, લસકાણા અને પુણા પોલીસ મથકોનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓમાંથી મોટાભાગના લોકો નાના-મોટા વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલા હતા. કેટલાક મજૂરીકામ, નોકરી, પાનના ગલ્લા, ભોજનાલય, મહેંદી મૂકવા અને ઘરકામ જેવા વ્યવસાયની આડમાં ડ્રગ્સના કારોબાર સાથે જાડાયેલા હતા.પકડાયેલા આરોપીઓમાં ૧૮ વર્ષના યુવાનોનો પણ સમાવેશ થાય છે. રાજ્યવાર ધરપકડની વિગતો મુજબ ગુજરાતના ૧૦, ઓડિશાના ૫, ઉત્તર પ્રદેશના ૪, મહારાષ્ટ્રના ૨ અને રાજસ્થાનના ૧ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસોમાં ૩ મહિલાઓ પણ સામેલ હોવાનું પોલીસે જણાવ્યું છે.
૧૭ કેસમાં ઝડપાયેલા ૨૨ આરોપીઓની વિગતો પરથી ડ્રગ્સના કારોબારમાં આંતરરાજ્ય જોડાણ સામે આવ્યું છે. ઓડિશા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતનાં રાજ્યોના આરોપીઓ સુરતમાં નશીલા પદાર્થોની હેરફેર અને છૂટક વેચાણ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી કરણ રાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ‘ડ્રગ્સ ફ્રી સુરત સિટી’ અભિયાન અંતર્ગત શહેર પોલીસ સતત ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. તમામ પોલીસ મથકના અધિકારીઓને ૨૪ કલાકની વિશેષ ડ્રાઈવ સોંપવામાં આવી હતી, જેમાં ૧૭ એનડીપીએસ કેસ નોંધવામાં આવ્યા અને ૨૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આ ઝીરો ટોલરન્સ નીતિના પરિણામે ચાલુ વર્ષે ૩૧ ઓક્ટોબર સુધીમાં સુરત પોલીસે અંદાજે ૨૭૦ એનડીપીએસ કેસ નોંધ્યા છે. આ કામગીરી સાથે સુરત શહેર પોલીસ સમગ્ર ગુજરાતમાં એનડીપીએસના કેસ નોંધવામાં અગ્રેસર રહી છે.