કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી તેમના પુસ્તક “બિલોંગિંગઃ અ જર્ની ઓફ લવ” માટે સમાચારમાં છે. જાકે, તેમનું પુસ્તક પણ નોંધપાત્ર વિવાદ પેદા કરી રહ્યું છે. વિનાયક દામોદર સાવરકરના પ્રપૌત્ર, સત્યકી સાવરકરે સોનિયા ગાંધીને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના તાજેતરમાં પ્રકાશિત પુસ્તકમાં સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર વિશે અપમાનજનક ટિપ્પણીઓ છે.
વિનાયક દામોદર સાવરકરના પ્રપૌત્ર, સત્યકી સાવરકરે ચેતવણી આપી છે કે જા સોનિયા ગાંધી ૧૫ દિવસમાં નોટિસનો જવાબ નહીં આપે, તો તેમની સામે કોર્ટમાં અવમાનની અરજી દાખલ કરવામાં આવશે. સત્યકી સાવરકરના વકીલ, સંગ્રામ કોલ્હાટકરે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને પોસ્ટ અને ઇમેઇલ દ્વારા કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ અગાઉ વીડી સાવરકર વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓ માટે વિવાદ ઉભો કર્યો છે.
સુત્રો અનુસાર, કાનૂની નોટિસમાં સોનિયા ગાંધીની તેમના પુસ્તકના પાના ૨૦૧ પરની ટિપ્પણીનો ઉલ્લેખ છેઃ “જ્યારે કોંગ્રેસ સ્વતંત્રતા સેનાનીઓ બ્રિટિશ શાસકોના હાથે હુમલાઓ અને કેદનો સામનો કરી રહ્યા હતા, ત્યારે વિનાયક દામોદર સાવરકર જેવા વરિષ્ઠ આરએસએસ વિચારકો તેમના વસાહતી શાસકોને દયા અરજીઓ લખી રહ્યા હતા, અને તેમના સંગઠનના સભ્યો બ્રિટિશ અધિકારીઓ સાથે માહિતી આપનારા તરીકે સાંઠગાંઠ કરી રહ્યા હતા.”
પ્રાપ્ત માહિતી અનુસાર, સત્યકી સાવરકર દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વી.ડી. સાવરકર વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ અને આરોપોથી તેમને દુઃખ થયું છે. સત્યકી સાવરકરે મોકલેલી કાનૂની નોટિસમાં સોનિયા ગાંધીના પુસ્તકના પાના ૨૦૧ અને ૪૪૩ પર કરવામાં આવેલી ટિપ્પણીઓનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે પુસ્તકની સામગ્રી હકીકતમાં ખોટી, ઐતિહાસિક રીતે ગેરમાર્ગે દોરનારી અને વિકૃત છે અને વી.ડી. સાવરકરની પ્રતિષ્ઠા અને વારસાને નુકસાન પહોંચાડે છે.








































