કોડીનાર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત વિશેષ રાઉન્ડ યોજાયો હતો. આ અભિયાનમાં ૦થી ૫ વર્ષ સુધીનાં ૧૯,૩૭૪ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકામાં કુલ ૧૨૭ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા હતા, જેમાં ૨૦૦થી વધુ આરોગ્ય ટીમો કામગીરીમાં જોડાઈ હતી. આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોએ બાળકોનું રસીકરણ કર્યું હતું. અભિયાનમાં ૪૫,૨૩૮થી વધુ ઘરો અને વાડી વિસ્તારોને આવરી લેવાનું આયોજન છે. પ્રારંભ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

































