વડોદરા જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર બાજવા ગામમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ સરપંચ પદના અનામત રોટેશનને લઈને વિવાદ વકર્યો છે. ગામમાં ૮૦ ટકાથી વધુ વસ્તી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજની હોવા છતાં સરપંચ પદની અનામત બેઠકનો યોગ્ય લાભ મળતો ન હોવાના આક્ષેપ સાથે બાજવા ન્યાય સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. આગામી ચૂંટણીમાં સરપંચ પદની બેઠક સમાજ માટે અનામત રાખવાની માગ સાથે રાજકીય દખલગીરીની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
બાજવા ન્યાય સમિતિના ચેરમેનના જણાવ્યા મુજબ, નિયમો અને રોટેશન પ્રમાણે આગામી ચૂંટણીમાં સરપંચ પદની બેઠક એસસી એસટી સમાજ માટે નિશ્ચિત હોવી જાઈએ. તેમ છતાં બેઠકની સત્તાવાર જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીનાં રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને બાજવા સહિત મોટાભાગનાં ગામોની સરપંચ બેઠકો સામાન્ય કેટેગરીમાં ફાળવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા આગેવાનોએ વ્યક્ત કરી છે.સમિતિએ અગાઉના કિસ્સાને ટાંકીને જણાવ્યું હતું કે, બાજવા તાલુકા પંચાયતની બેઠક શરૂઆતમાં મહિલા અનામત જાહેર કરાયા બાદ રાતોરાત ફેરફાર કરીને સામાન્ય મહિલા કેટેગરીમાં ફાળવવામાં આવી હતી. તે સમયે પણ ભારે વિવાદ થયો હતો. હવે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ આવો જ ફેરફાર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે, વર્ષોથી બહુમતી વસ્તી હોવા છતાં એસસી એસટી સમાજને સરપંચ પદે યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી. અનામત બેઠકોની ફાળવણીમાં રાજકીય દખલગીરી થશે તો તે લોકશાહી અને બંધારણીય અધિકારોના હનન સમાન ગણાશે. આથી સમાજના લોકોને પોતાના હક્ક માટે એકજૂથ થવા અપીલ કરવામાં આવી છે. જા અન્યાય થશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગ્રામ પંચાયતોની સરપંચ બેઠકોની અનામત ફાળવણી અને રોટેશનના નિયમોને લઈને વિવાદો સામે આવ્યા છે. આ પ્રક્રિયામાં અનિયમિતતા અને નિયમોના ભંગના આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પણ જુદી જુદી અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન સંબંધિત વિભાગો અને અધિકારીઓને કારણદર્શક નોટિસ પાઠવી જવાબ માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.