૨૬/૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલાને ૧૮ વર્ષ થઈ ગયા છે. છતાં, પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબનો બચાવ કરતા બે વકીલો હજુ પણ તેમની બાકી ફીની રાહ જોઈ રહ્યા છે. બંને વકીલોનું કહેવું છે કે આ કેસમાં હાજરી આપવા માટે તેમને અન્ય કેસ છોડી દેવા પડ્યા હતા. ૨૦૧૦ માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત થયા પછી, અમીન સોલકર અને ફરહાના શાહે નવ મહિના સુધી બોમ્બે હાઈકોર્ટમાં કસાબનો બચાવ કર્યો.
બંને વકીલોને હાઈકોર્ટ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્ર રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ૮ જૂન, ૨૦૧૦ ના રોજ જારી કરાયેલા એક જાહેરનામા દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે કસાબના બચાવમાં પ્રતિનિધિત્વ કરવાના હતા. તત્કાલીન સચિવ એકે સોનાવણે દ્વારા હસ્તાક્ષરિત જાહેરનામા અનુસાર, સોલકરને સ્પેશિયલ પબ્લીક પ્રોસિક્્યુટર જેટલી જ ફી ચૂકવવાની હતી, જ્યારે શાહને મૃત્યુદંડની પુષ્ટિ સંબંધિત કેસની સુનાવણી કરતા વધારાના પબ્લીક પ્રોસિક્યુટર જેટલું જ મહેનતાણું મળવાનું હતું.
સત્તાવાર સૂત્રો અનુસાર, આ રકમ ૧,૫૦૦ થી ૨,૦૦૦ રૂપિયા પ્રતિ દિવસની વચ્ચે હતી. જાકે, હાઈકોર્ટની કાર્યવાહી પૂર્ણ થયાના ૧૫ વર્ષથી વધુ સમય પછી પણ, બંને વકીલોનો દાવો છે કે તેમને હજુ સુધી તેમની બાકી ફી મળી નથી. સોલકરે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “કસાબનું પ્રતિનિધિત્વ કરવા માટે અમને હજુ સુધી અમારી ફી મળી નથી. હું વારંવાર મહારાષ્ટ્ર રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ સાથે પત્રવ્યવહાર કરી રહ્યો છું, પરંતુ આ સંદર્ભમાં કોઈ સકારાત્મક પ્રગતિ થઈ નથી.”
બંને વકીલોના જણાવ્યા મુજબ, જ્યારે પણ તેઓ એમએસએલએસએ સમક્ષ આ મામલો ઉઠાવે છે, ત્યારે તેમને આરોપી વતી કોર્ટમાં હાજર થયાની તારીખો અને કલાકોની વિગતો આપતા વિગતવાર બિલ અને મેમોરેન્ડા રજૂ કરવાનું કહેવામાં આવે છે. વકીલોએ આટલા વર્ષો પછી આ માંગણીને “ગેરવાજબી” ગણાવી હતી. તેઓ કહે છે કે એક દાયકાથી વધુ સમય પછી કોર્ટમાં વિતાવેલા દૈનિક કલાકોનો આટલો વિગતવાર રેકોર્ડ કોઈ પાસેથી સાચવી શકાય નહીં.
અજમલ કસાબને ૨૧ નવેમ્બર, ૨૦૧૨ ના રોજ પુણેની યરવડા સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. સોલકરે જણાવ્યું હતું કે તેમના નિમણૂક પત્રોમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે તેમની ફી ફરિયાદ પક્ષના વકીલોના પગાર ધોરણ જેટલી છે. તેમણે પ્રશ્ન કર્યો, “સરકારને અમારી બાકી ફી ચૂકવવા માટે સમાન પગાર ધોરણનો ઉપયોગ કરવાથી કોણ રોકી રહ્યું છે?” શાહે આ ચિંતાનો પડઘો પાડ્યો, અને પ્રશ્ન ઉઠાવ્યો કે સરકારી સૂચના અને તત્કાલીન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના આદેશમાં તેમની ફી માળખું સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું હતું ત્યારે વિગતવાર આઇટમાઇઝ્ડ મેમોરેન્ડમ સબમિટ કરવાનો આગ્રહ શા માટે? શાહે કહ્યું, “અમે નવ મહિના સુધી આ કેસની દલીલ કરવા માટે અમારો આખો દિવસ સમર્પિત કર્યો. આ કેસની સુનાવણીમાં કોઈ અવરોધ ન આવે તે માટે અમારે અમારા અન્ય તમામ કેસોને બાજુ પર રાખવા પડ્યા.”


































