જેતલસર જંકશન ખાતે છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો આખરે અંત આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા આંદોલનકારીઓની મુખ્ય માગણીને પગલે ૧૨ ટ્રેન મેનેજર અને ૫ લોકો પાઇલટને રાજકોટ લોબીમાંથી જેતલસર લોબીમાં તબક્કાવાર છૂટા કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને કાર્યવાહી અંગે ખાતરી આપ્યા બાદ ઉપવાસીઓને પારણાં કરાવ્યાં હતાં.
જેતલસર જંકશન બચાવો આંદોલનના મુખ્ય ઉપવાસી હનીફ બ્લોચના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રાજકોટ લોબીમાંથી જેતલસર લોબીમાં ૧૨ મેલ-એક્સપ્રેસ ટ્રેન મેનેજરની બદલી કરવાનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓને ૨૨થી ૨૮ નવેમ્બર દરમિયાન તબક્કાવાર છૂટા કરવામાં આવશે, જેથી ટ્રેનોનું નિયમિત સંચાલન ખોરવાય નહીં.
આ ઉપરાંત લેવલ-૬ના ૯ ટ્રેન મેનેજરની તેમની પોતાની વિનંતી પર સમાન વેતનધોરણે બદલી કરવામાં આવી છે. અગાઉ ૮ જુલાઈના આદેશથી પણ ૩ ટ્રેન મેનેજરની બદલી થઈ હતી.
ટ્રેન મેનેજરની સાથે પાંચ લોકો પાઇલટને પણ જેતલસર લોબીમાં તબક્કાવાર છૂટા કરવાનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ ૨૪ નવેમ્બરે ૧, ૨૭ નવેમ્બરે ૩ અને ૩૦ નવેમ્બરે ૧ લોકો પાઇલટને છૂટા કરવામાં આવશે. આમ, કુલ ૧૭ કર્મચારીઓ માટેની કાર્યવાહી શરૂ થતાં આંદોલનકારીઓની મુખ્ય માગણીને વહીવટી સ્તરે અમલમાં મૂકવાનો માર્ગ ખુલ્યો છે.
જેતલસર જંકશનનું મહ¥વ ધીમે ધીમે ઘટાડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે આંદોલન શરૂ થયું હતું. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ, રેલવે દ્વારા અહીંથી લોકો પાઇલટની લોબી અને બ્રેકડાઉન વિભાગ જેવી મહ¥વપૂર્ણ કામગીરી અન્ય સ્થળે ખસેડવામાં આવી હતી. ઉપરાંત, ૭૦થી વધુ કર્મચારીઓની બદલી કરવામાં આવતાં તેમના પરિવારોના સ્થળાંતર અને સ્થાનિક વેપાર-ધંધા પર અસર થવાની ભીતિ ઊભી થઈ હતી.આના વિરોધમાં ગ્રામજનો, વેપારીઓ અને પૂર્વ રેલવે કર્મચારીઓએ જેતલસર જંકશનનું મહત્વ જાળવવા તથા કર્મચારીઓની બદલી રદ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન અને ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. રેલવે દ્વારા બદલી અને કર્મચારીઓને છૂટા કરવાની લેખિત કાર્યવાહી શરૂ કરાતાં એક સપ્તાહથી ચાલતા આંદોલનનો અંત આવ્યો છે.