સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં વિકાસની નવી પહેલરૂપે ડિજિટલ વોટર ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખારા પાટ વિસ્તારમાં આવેલા ગામમાં ક્ષારયુક્ત અને ધૂંધળા પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેને પોતાની ગ્રાન્ટમાંથી આ સુવિધા ઊભી કરી છે. હવે ગ્રામજનોને માત્ર પાંચ રૂપિયાના ટોકન દરે કાર્ડ સ્ક્રેચ કરીને ૨૦ લીટર શુધ્ધ પાણી મળશે. અગાઉ તેઓ સરપંચ હતાં ત્યારે હોસ્પિટલ, શાળા, સીસી રોડ, બ્લોક પેવર, સીસીટીવી, સ્ટ્રીટલાઇટ અને ગટર સહિતનાં વિકાસકાર્યો કરાવ્યાં હતાં. ગામના વિકાસમાં દાતાઓનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. ધારાસભ્ય મહેશ કસવાળાએ આ પહેલને આવકારી તાલુકાનાં અન્ય ગામોમાં પણ આવા પ્લાન્ટ શરૂ કરવાની દિશામાં વિચારણા વ્યક્ત કરી હતી.








































