અમરેલી-બગસરા રોડ પર મોટરસાઇકલ ચાલકે અકસ્માત સર્જી મહિલાને ૨૦ ફૂટ સુધી ઢસડ્યાં હતાં. ગૌરવભાઈ પ્રાણજીવનદાસ અગ્રાવત (ઉં.વ. ૩૭)એ જી.જે. ૧૪ બી.જે. ૯૦૪૯ નંબરના મોટરસાઇકલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેમનાં બહેન મોટરસાઇકલ લઈને ખરીદી કરી અમરેલીથી પોતાના ગામ જતાં હતાં. તે દરમિયાન અમરેલી-બગસરા રોડ પર બાલાજી હનુમાન મંદિર પાસે આવેલી સહજાનંદ હોટલ ખાતે તેમણે પોતાની બાઇક પરથી તેમનાં બહેનને ઉતાર્યાં હતાં. તેઓ બાઇક પાર્ક કરતા હતા ત્યારે તેમનાં બહેન રોડ ક્રોસ કરીને તેમની પાસે આવતાં હતાં.બહેન રોડ ક્રોસ કરીને રોડની સાઇડમાં પહોંચતાં જ આરોપીએ પોતાના હવાલાની મોટરસાઇકલ બેફિકરાઈથી ચલાવી તેમનાં બહેન સાથે ભટકાવી હતી અને આશરે વીસેક ફૂટ જેટલાં ઢસડ્યાં હતાં, જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધનજીભાઈ ખોડાભાઈ પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.





































