‘ચિન્ટુ બેટા, ઊઠ! સવાર પડી ગઈ.’’
ચિન્ટુ આંખો ચોળતાં બોલે, ‘‘મમ્મી, પાંચ મિનિટ… બસ પાંચ મિનિટ!’’ ચિન્ટુને સવારે વહેલા ઊઠવું જરાય ગમતું નહીં. મમ્મી રોજ તેને ઉઠાડે.
એક દિવસ ચિન્ટુએ આકાશમાં ચમકતા સૂરજને જોયો. તેને થયું કે સૂરજ તો રોજ સવારે વહેલો ઊઠે છે. શું એને ક્યારેય ઊંઘ આવતી નહીં હોય?
એણે આકાશ તરફ જોઈને બૂમ પાડી, ‘‘અરે સૂરજદાદા! તમે ક્યારેય સૂતા નથી કે શું?’’
સૂરજદાદા હસીને બોલ્યા, ‘‘અરે ભાઈ! હું પણ રાત્રે આરામ કરું છું. પણ સવારે વહેલો ઊઠીને બધાને પ્રકાશ આપું છું.’’
ચિન્ટુ બોલ્યો, ‘‘એક દિવસ તમે પણ મોડા ઊઠજો ને! પછી જુઓ કેવી મજા આવે!’’ સૂરજદાદા હસી પડ્યા. પણ બીજા દિવસે સવારે એક અજબ ઘટના બની!
સવાર થઈ પણ આકાશમાં હજુ પણ અંધારું જ હતું!
સાત વાગ્યા… તોય અંધારું!
આઠ વાગ્યા… છતાં સૂરજદાદાનો કોઈ પત્તો નહીં! ચારેકોર અંધારું જ અંધારું!
ચકલી ચીં… ચીં… કરતી બોલી, ‘‘અરે! આ સૂરજદાદા આજે ક્યાં ગયા?’’
કૂકડો કૂકડેકૂકપ કૂકડેકૂકપ કરીને બૂમો પાડવા લાગ્યો.
‘‘ઊઠો સૂરજદાદા… ઊઠો… સવાર પડી ગઈ!’’ – પણ સૂરજદાદા તો રજાઈ ઓઢીને સૂતા હતા.
‘‘દાદા બગાસું ખાતાં બોલ્યા.
વાદળિયું તેમની પાસે આવ્યું અને બોલ્યું, ‘‘સૂરજદાદા, ઊઠો ને! બધાં તમારી રાહ જુએ છે.’’
‘‘ના ભાઈ ના, આજે તો હું સૂઈ જ રહીશ!’’ સૂરજદાદાએ પાછી આંખો બંંધ કરી દીધી.
પૃથ્વી પર તો ધમાલ મચી ગઈ!
ફૂલોએ પોતાની પાંખડીઓ ખોલી નહીં.
ગાયે ઘાસ ખાવાનું બંધ કર્યું.
ચકલી માળામાંથી બહાર નીકળી નહીં.
સૌના મોઢે એક જ વાત, ‘‘આજે સૂરજદાદા વગર તો સવાર જ પડતી નથી! ગજબ થયો ભાઈ ગજબ થયો!’’
અચાનક ચિન્ટુને યાદ આવ્યું કે ગઈકાલે તેણે જ સૂરજદાદાને મોડા ઊઠવાનું કહ્યું હતું.
તે તરત આકાશ તરફ જોઈને બોલ્યો, ‘‘હે સૂરજદાદા! માફ કરજો! હવે તમે જલદી ઊઠો ને! બધાં તમારી રાહ જુએ છે.’’
પણ સૂરજદાદા તો હજુય સૂતા હતા.
ઘરરરર… ઘરરરર…
બધાંએ વિચાર્યું, ‘ગમે તેમ કરીને આપડે સૂરજદાદાને જગાડવા જ પડશે.’’
ચકલી એક નાનકડી ઘંટડી લઈ આવી.
ટન… ટન… ટન…
વાદળિયું ઢોલ લઈને આવ્યું.
ઢમ… ઢમ… ઢમ…
કૂકડો પણ જોરથી બોલ્યો.
‘‘કૂકડેકૂકપ કૂકડેકૂકપ સૂરજદાદા ઊઠો!’’
આટલો બધો અવાજ સાંભળીને સૂરજદાદા એકદમ બેઠા થઈ ગયા. ‘‘અરે બાપ રે! આટલો બધો અવાજ કોણ કરે છે?’’
બધાં એકસાથે બોલ્યાં, ‘‘સૂરજદાદા, હવે તો ઊઠો!’’
સૂરજદાદાએ બગાસું ખાધું, આંખો ચોળી અને ધીમે ધીમે આકાશમાં આવી ગયા. થોડી જ વારમાં આખુંય આકાશ સોનેરી પ્રકાશથી ચમકી ઊઠ્યું.
ફૂલો ખીલી ઊઠ્યાં. પક્ષીઓ ગાવા લાગ્યાં. બાળકો ખુશીથી કૂદવા લાગ્યાં.
ચિન્ટુ બોલ્યો, ‘‘વાહ! સૂરજદાદા જાગી ગયા!’’
સૂરજદાદા હસીને બોલ્યા, ’’આજે તો બહુ મજા આવી! પણ હવે રોજ આમ મોડું નહીં કરું હોં.’’
ચિન્ટુ બોલ્યો,‘‘તો પછી હું પણ રોજ સવારે વહેલો ઊઠીશ!’’! ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭









































