બાબરા શહેરમાં અંદાજિત રૂ. ૯ કરોડના ખર્ચે અદ્યતન સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજૂરી મળી છે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની સતત રજૂઆતો અને પ્રયાસોના પરિણામે આ મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ મંજૂરીથી બાબરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી પ્રસરી છે.નવા આરોગ્ય કેન્દ્રના નિર્માણથી સ્થાનિક લોકોને આધુનિક અને ગુણવત્તાયુક્ત સારવારની સુવિધા ઉપલબ્ધ થશે. અત્યાર સુધી આરોગ્ય સેવાઓ માટે અન્ય શહેરોમાં જવું પડતું હોવાથી લોકોને પડતી મુશ્કેલીમાં ઘટાડો થશે. સમયસર સારવાર, આરોગ્ય તપાસ અને જરૂરી તબીબી સેવાઓ સ્થાનિક સ્તરે મળી રહેશે.ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, વિસ્તારના નાગરિકોને સારી આરોગ્ય સુવિધા મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ મંજૂરીથી બાબરા પંથકના આરોગ્ય માળખાને નવી દિશા મળશે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આ નિર્ણયને આવકાર્યો હતો.