સાવરકુંડલા શહેરના જૂના બસસ્ટેન્ડ રોડ પર અતિશય ઢાળ અને લીસા રસ્તાને કારણે વાહનચાલકો તથા રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. આ માર્ગ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો અચાનક સ્લીપ થઈને પડી રહ્યા છે, જ્યારે રાહદારીઓ પણ લપસી પડવાથી અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ અંગે લોકોએ જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરામાં અનેક બાઇકચાલકો લપસીને પડતા કેદ થયા છે. ચોમાસામાં સ્થિતિ વધુ જોખમી બને છે. રસ્તા પર ઢાળ અને લીસાપણાને કારણે બ્રેક મારવામાં પણ મુશ્કેલી પડે છે. રસ્તાના નિર્માણમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. અકસ્માતો અટકાવવા તંત્ર તાત્કાલિક યોગ્ય અને નક્કર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.







































