અમરેલી જિલ્લામાં પીપાવાવ-સાવરકુંડલા રેલવે લાઈન પર મોટા લીલીયા નજીક રેલવે ટ્રેક પર ત્રણ સિંહો આવી ચડતાં પેસેન્જર ટ્રેનના લોકોપાયલટે સમયસૂચકતા દાખવી હતી. ૨૦ નવેમ્બરના રોજ રેલવે ટ્રેકના નંબર ૫૩/૮ પાસે ત્રણેય સિંહો ટ્રેક ઓળંગી રહ્યા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતી ટ્રેન નંબર ૧૯૨૫૬ના લોકોપાયલટ રાકેશ બી. મારૂ અને પ્રકાશ ચંદ મીણાએ તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. જેથી ત્રણેય સિંહો દુર્ઘટનાનો ભોગ બનતાં બચી ગયા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર રાહુલભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ત્રણેય સિંહોને ટ્રેક પરથી દૂર કર્યા હતા. વન વિભાગે ટ્રેક સુરક્ષિત હોવાની ખાતરી આપ્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ વિસ્તારમાં વારંવાર સિંહો ટ્રેક પર આવી ચડતા હોવાથી વન્યજીવોની સુરક્ષા સામે ચિંતા ઊભી થઈ છે.







































