ધાતરવડી સિંચાઈ-૧ ડેમમાંથી રવિ ઋતુ વર્ષ ૨૦૨૫-૨૭ માટે કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવાની મંજૂરી આપવા રાજુલા માર્કેટ યાર્ડના ચેરમેન રાજેશભાઈ પરસાણાએ જળસંપત્તિ મંત્રી ઈશ્વરભાઈ પટેલને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, ડેમ હેઠળ આવતા ગામોના ખેડૂતોને નવા વાવેતર માટે પાણીની જરૂરિયાત છે. પાણી સમિતિની બેઠકમાં પણ પાણી છોડવા અંગે આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ મંજૂરી પેન્ડિંગ હોવાથી ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ધારેવર, દીપડિયા, નાના રીંગણીયાળા, નવી-જૂની માંડરડી, વાવડી, ચારોડીયા, રાજુલા, અંબરડા, કુંડલીયાણા, બળાણા, વાવેરા, જાફરાબાદ સહિત ૧૩ ગામોના ખેડૂતોને ઘઉં, ચણા અને ડુંગળીના પાક માટે પાણી મળી રહે તે માટે તાત્કાલિક મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે.




































