વડિયા તાલુકાની મામલતદાર કચેરીમાં કાયમી અધિકારીની નિમણૂક ન થતાં વહીવટી કામગીરી સામે સવાલો ઊભા થયા છે. મામલતદારની બદલી બાદ વધારાનો ચાર્જ અન્ય અધિકારીને સોંપાયો હતો. તેમની વિસાવદર ખાતે બદલી થયાના અહેવાલો વચ્ચે પણ ચાર્જ તેમની પાસે હોવાનું જાણવા મળે છે. ઇન્ચાર્જ અધિકારીની અનિયમિત હાજરીના કારણે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય અરજદારોને કામ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. મતદાર યાદી સુધારણા કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે અધિકારીની નિયમિત હાજરી જરૂરી છે. આગામી ગ્રામપંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી નાયબ મામલતદારની નિમણૂક પણ હજુ કરવામાં આવી નથી. વડિયા તાલુકાને કાયમી મામલતદાર ક્યારે મળશે અને અટવાયેલાં કામોને ગતિ ક્યારે મળશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર કાયમી નિમણૂક કરે તેવી માંગ ઉઠી છે.








































