રાધાકૃષ્ણ કોટન ઇન્ડસ્ટ્રીઝના જિનિંગ હાઉસમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કપાસનો મોટો જથ્થો અને મશીનરી બળીને ખાખ થઈ જતાં મિલ માલિકને અંદાજે રૂ. ૩૪,૭૧,૭૩૨નું જંગી નુકસાન થયું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, રાધાકૃષ્ણ કોટન ઇન્ડસ્ટ્રીઝની અંદર આવેલા જિનિંગ હાઉસમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જિનિંગ હાઉસમાં પડેલા કપાસના જથ્થાને લપેટમાં લીધો હતો. આગની આ ઘટનામાં કન્વેયર બેલ્ટ પર પડેલો અંદાજે ૨૦ ગાંસડી જેટલો લૂઝ કપાસનો માલ સંપૂર્ણપણે બળી ગયો હતો. આ ઉપરાંત, જિનિંગ હાઉસમાં સુપર મશીનની બાજુમાં રાખવામાં આવેલી રૂ. ૩૩,૦૦૦ની એક એવી ૫૦ કપાસની ગાંસડીઓ પણ આગની ઝપેટમાં આવી જતાં બળીને ભસ્મ થઈ ગઈ હતી. આગને કારણે અંદાજે ૪૦૦ ફૂટ લાંબો કન્વેયર બેલ્ટ અને બે મોટર પણ બળીને નાશ પામ્યા હતા. આમ, કપાસ અને મશીનરી મળીને કુલ રૂ. ૩૪,૭૧,૭૩૨નો મુદ્દામાલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.


































