મધ્ય પૂર્વમાં વધતા સુરક્ષા ખતરાને ધ્યાનમાં રાખીને, યુએસએ તેના નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી જારી કરીને જણાવ્યું છે કે ઈરાન સમર્થિત હુતી બળવાખોરો દ્વારા સશસ્ત્ર હુમલાઓનો ખતરો વધ્યો છે. વધુમાં, ઈરાન પણ આ ક્ષેત્રમાં યુએસ સરકારી અધિકારીઓ અને ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ ક્ષેત્રના વિવિધ દેશોમાં સ્થિત તેના દૂતાવાસો દ્વારા અનેક નિવેદનો જારી કર્યા છે, જેમાં અમેરિકન નાગરિકોને વધારાની સતર્કતા રાખવા વિનંતી કરવામાં આવી છે. વિભાગે નાગરિકોને સંભવિત સુરક્ષા ચેતવણીઓ, ફ્લાઇટ રદ કરવા, એરસ્પેસ બંધ કરવા અને મુસાફરી પ્રતિબંધો અંગે જાગૃત રહેવા વિનંતી કરી છે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, ઈરાને બહેરીન અને કુવૈતમાં યુએસ બેઝને નિશાન બનાવીને હુમલા કર્યા છે. ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયા સામે પણ હુમલા શરૂ કર્યા છે, જેમાં નાગરિક એરપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે નાગરિકોના મોત થયા છે અને મુસાફરીમાં ભારે વિક્ષેપ પડ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રદેશમાં ચાલી રહેલ સંઘર્ષ ઝડપથી વધી શકે છે.
આ દરમિયાન, સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ફાઇનાન્સીયલ સેન્ટરની એક ટાવર ઇમારતને નિશાન બનાવવામાં આવી છે. સાઉદી સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, હુમલામાં ૧૧ લોકો ઘાયલ થયા છે, જેમાં બે ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. સાઉદી સિવિલ ડિફેન્સના જનરલ ડિરેક્ટોરેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં બે સાઉદી નાગરિકો, બે ભારતીયો, ત્રણ નેપાળી અને ચાર ઇજિપ્તીયન ઘાયલ થયા છે. સાઉદી અધિકારીઓએ આ હુમલા માટે યમનના હુતી બળવાખોરોને દોષી ઠેરવ્યા છે.
ઈરાને સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તેની સાત શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા સાથે વાટાઘાટો કરશે નહીં. જ્યારે આ શરતોનો સત્તાવાર રીતે ખુલાસો
કરવામાં આવ્યો નથી, ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર, તેમાં પ્રતિબંધો હટાવવા, ઈરાની બંદરો પર યુએસ નૌકાદળના નાકાબંધીનો અંત અને જપ્ત કરાયેલી ઈરાની સંપત્તિને મુક્ત કરવાનો સમાવેશ થાય છે. ઈરાનના મુખ્ય વાટાઘાટકાર અને સંસદના અધ્યક્ષ, મોહમ્મદ બાઘર ગાલિબાફે ચેતવણી આપી હતી કે જોદુશ્મન કોઈ ભૂલ કરશે તો ઈરાન સંઘર્ષનો ભૌગોલિક વ્યાપ વધારશે.
































