શહેરની ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં વર્ષ ૨૦૦૯માં બનેલા મેડિકલ બેદરકારીના એક જૂના કેસમાં સુરત કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારની માતા જૈતુનબીબી દરબારના મૃત્યુના કેસમાં આરોપી પરેશ ભજીયાવાલાને કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે. સારવાર દરમિયાન થયેલી ગંભીર બેદરકારીને લઈને નોંધાયેલા આ કેસમાં લગભગ ૧૬ વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવતા આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, જૈતુનબીબી દરબાર સુરતની ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. આ દરમિયાન તેમની પીઠ નીચે ગરમ પાણીની હીટ બેગ મૂકવામાં આવી હતી. જોકે, આ હીટ બેગ સમયસર દૂર કરવામાં ન આવતા આખી રાત તેમની પીઠ નીચે જ રહી ગઈ હતી. પરિણામે તેમની પીઠમાં ગંભીર ઇજા થઈ હતી. આ બેદરકારીના કારણે જૈતુનબીબીની તબિયત વધુ લથડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
હીટ બેગના કારણે પીઠમાં ગંભીર ઇજા થવાની ઘટના બાદ જૈતુનબીબી દરબારની તબિયત વધુ બગડી હતી અને આખરે ૧૧ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ તેમનું અવસાન થયું હતું. આ ઘટનાને પગલે સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ સાથે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી
આ મેડિકલ બેદરકારીના કેસમાં પરેશ ભજીયાવાલા અને નર્સ ચંચુબેન એમ બે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, કેસની ટ્રાયલ દરમિયાન નર્સ ચંચુબેન જામીન પર મુક્ત થયા બાદ કોર્ટની કાર્યવાહીથી દૂર થઈ ભાગેડુ થઈ ગયાં હતાં. બીજી તરફ, પરેશ ભજીયાવાલા સામે કેસની કાર્યવાહી આગળ ચાલી હતી. લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં સુરત કોર્ટે હવે પરેશ ભજીયાવાલાને કસૂરવાર ઠેરવ્યા છે. આ ચુકાદા સાથે વર્ષો જૂના મેડિકલ બેદરકારીના કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. આ મામલે વકીલ કેતન રેશમવાળાએ કોર્ટના ચુકાદા અને કેસની વિગતો અંગે માહિતી આપી હતી.






































