શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં એક વિધવા મહિલાની ગળે ટૂંપો આપી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રવિવારે સાંજે ઘરેથી થોડી વારમાં પરત આવવાનું કહીને નીકળેલી મહિલાનો મૃતદેહ મંગળવારે સવારે ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર-૩ની પાછળ નહેરના કિનારેથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ અને ફોરેન્સીક પોસ્ટમોર્ટમમાં મહિલાની ગળામાં દોરી વડે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, મૃતદેહ પર ઈજાનાં નિશાન પણ મળી આવ્યાં છે. પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ અંગે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ વધુ સ્પષ્ટતા થશે.
મળતી માહિતી અનુસાર, મૃતક મહિલા હીરાબુર્સની એક કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. મહિલાના પતિનું અગાઉ જ અવસાન થઈ ગયું હોવાથી પરિવારની સમગ્ર જવાબદારી તેમના પર હતી. રવિવારે સાંજે મહિલા ઘરેથી થોડા સમયમાં પરત આવવાનું કહીને નીકળી હતી, પરંતુ ત્યારબાદ તે ઘરે પરત ફરી નહોતી. પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન મંગળવારે સવારે ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર-૩ની પાછળ નહેરના કિનારેથી મહિલાનો મૃતદેહ મળી આવતાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજા મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન મહિલાની ગળામાં દોરી વડે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. શરીર પર ઈજાનાં નિશાન મળી આવતાં મહિલાની સાથે મારામારી કે અન્ય હિંસક કૃત્ય થયું હોવાની દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ફોરેન્સીક પોસ્ટમોર્ટમ દરમિયાન દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. પીએમ દરમિયાન લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ મહિલાની સાથે દુષ્કર્મ થયું હતું કે કેમ તે સ્પષ્ટ થઈ શકશે. પોલીસ હત્યા પાછળનું કારણ અને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
આ કરુણ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે મૃતક મહિલાના પતિનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું હતું. મહિલા નોકરી કરીને એક પુત્રી અને બે પુત્ર સહિત ત્રણ સંતાનોનું ભરણપોષણ કરતી હતી. માતાની હત્યાને પગલે ત્રણેય બાળકો પરથી માતાની છત્રછાયા પણ છીનવાઈ ગઈ છે. પરિવારનો આધારસ્તંભ ગણાતી મહિલાની ઘાતકી હત્યાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
હાલમાં ઇચ્છાપોર પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહિલાની હત્યા કોણે અને કયા કારણોસર કરી, તે રવિવારે ઘરેથી નીકળ્યા બાદ ક્યા ગઈ હતી અને હત્યા પાછળ અન્ય કોઈ ગંભીર કારણ જવાબદાર છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. સેમ્પલ રિપોર્ટ અને પોલીસ તપાસમાં સામે આવનારી વિગતો બાદ આ ચકચારી હત્યા કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.




































