અમદાવાદ નજીક આવેલા પ્રખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્ય વિસ્તારમાં પક્ષીઓના શિકારનો મામલો સામે આવ્યો છે. વન સંરક્ષક વિભાગની ટીમે શિકારી સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. નળસરોવર વિસ્તારના રાણાગઢ નજીક ધોળી થળી તરીકે ઓળખાતા વિસ્તારમાંથી દોમડા દશરથભાઈ તેજાભાઈ નામના શખ્સને ૨૯ જેટલા દેશી-વિદેશી પક્ષીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. વન વિભાગે તેની પાસેથી શિકાર માટે વપરાતી પાંખડ અને વાસ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
વન વિભાગની કાર્યવાહી દરમિયાન કુલ ૨૯ પક્ષીઓમાંથી ૨૫ પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ચાર પક્ષીઓનાં મોત થયાં હતાં. મૃત પક્ષીઓમાં ઓછી સંખ્યામાં જોવા મળતી પ્રજાતિ ગણાતા કોમન પોચાર્ડ ( મધ્યમ કદનું પાણીમાં ડૂબકી મારતું બતક)ના બે પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે પક્ષીઓના શિકાર અને વન્યજીવ સંરક્ષણને લઈને સવાલો ઊભા થયા છે.
બીજી તરફ, નળસરોવર પોલીસે દરજી ગામ પાસેથી ધીરુ કાનજીભાઈ પઢાર અને રામ ઈશાભાઈ પઢાર નામના બે શખ્સોને શિકાર કરેલા પક્ષીઓ અને માંસના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આ બંને શખ્સો શિકાર કરાયેલા પક્ષીઓ ખરીદવા સાથે સંકળાયેલા હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે અલગ-અલગ બે કેસ નોંધવામાં આવ્યા છે અને વન વિભાગ તથા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


































