ગાંધીનગરમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક યોગ્યતા કસોટીના પરિણામના મૂલ્યાંકન સામે ઉમેદવારોનો રોષ જાવા મળ્યો છે. મૂલ્યાંકન પ્રક્રિયામાં ગંભીર ખામી રહી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે કેટલાક ઉમેદવારોની અટકાયત કરી તેમને પોલીસ વાહનોમાં બેસાડીને સ્થળ પરથી લઈ ગઈ હતી.
સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયેલા ઉમેદવારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને સમગ્ર પરિણામનું નિષ્પક્ષ અને પારદર્શક રીતે પુનઃમૂલ્યાંકન કરવાની માગ કરી હતી. ઉમેદવારોનો આક્ષેપ છે કે પરીક્ષાની તૈયારી માટે દિવસ-રાત મહેનત કરવા છતાં તેમને અપેક્ષા કરતાં ખૂબ ઓછા ગુણ આપવામાં આવ્યા છે. પરિણામના મૂલ્યાંકનમાં ભૂલ થઈ હોવાની આશંકા વ્યક્ત કરીને તેમણે ન્યાયની માગ કરી હતી.
પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માટે ઉમેદવારો સ્થાનિક ધારાસભ્યને રૂબરૂ મળવા પણ પહોંચ્યા હતા. જોકે, પરિસ્થિતિ વણસે નહીં અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કડક વલણ અપનાવી કેટલાક ઉમેદવારોને ડીટેઈન કર્યા હતા. પોલીસ કર્મચારીઓ તેમને વાહનોમાં બેસાડીને સ્થળ પરથી લઈ ગયા હતા. આ કાર્યવાહીને પગલે ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા આવેલા ભાવિ શિક્ષકો સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ પણ ઉમેદવારોએ કર્યો હતો.
આંદોલનમાં જોડાયેલા ઉમેદવાર શીતલ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉમેદવારોએ દિવસ-રાત એક કરીને પરીક્ષાની તૈયારી કરી હતી, પરંતુ પરિણામ જાહેર થતાં અપેક્ષા કરતાં ઘણા ઓછા માર્ક્‌સ મળ્યા છે. તેમના મતે મૂલ્યાંકન પ્રક્રિયામાં મોટી ભૂલ થઈ છે, જેના કારણે મહેનતુ ઉમેદવારોને નુકસાન થઈ રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે જાહેર રજા હોવાથી આજે તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ રજૂઆત કરવા જવાના હતા. ઉમેદવારો શાંતિપૂર્ણ રીતે પોતાનો હક માગવા આવ્યા હોવા છતાં તેમની વાત સાંભળવાને બદલે અટકાયત કરવામાં આવી રહી છે. ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પરિણામનું યોગ્ય પુનઃમૂલ્યાંકન કરવામાં નહીં આવે અને તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલનમાંથી પીછેહઠ કરશે નહીં. માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. –