બાબરા શહેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ૧૪ ઓગસ્ટે સવારે ૯ કલાકે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપડીયા આશ્રમ ખાતેથી શરૂ થયેલી યાત્રામાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, રાજકીય પક્ષોના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા. યાત્રા મુખ્ય બજાર સહિત શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ શહીદ ચોક ખાતે પહોંચી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નગરજનો દ્વારા પણ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શહીદ ચોક ખાતે દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિવિધ વર્ગના લોકો એકસાથે જોડાતા ‘એક તિરંગો, એક ભારત અને એકતા’નો સંદેશ પ્રસર્યો હતો.










































