સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો, આધેડને ગંભીર ઈજા
અમરેલીથી લીલીયા તરફ આવી રહેલી બોલેરો ગાડીને લીલીયા ૬૬ કેવી નજીક અકસ્માત નડ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, બોલેરો ચાલક દ્વારા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે બોલેરોમાં કુલ ૧૪ લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ૯ લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો સહિત રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. અકસ્માતમાં એક આધેડને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.






































