ખાંભાના કંટાળા ગામના વેપારીને ભાર રિક્ષા ચાલકે ટક્કર મારી હતી. મધુભાઈ ભગવાનભાઈ મકવાણા (ઉ.વ. ૪૦)એ ભાર રિક્ષા નંબર GJ-૦૩-BX-૫૦૬૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા સાહેદ તેમની મોટરસાયકલ લઈને ધુંધવાણાથી કંટાળા જતા હતા. તે દરમિયાન ધુંધવાણા ગામના ભુરાભાઈ રાઠોડની દુકાન પાસે પહોંચતા, આરોપીએ પોતાના હવાલાવાળી વાદળી કલરની બજાજ કંપનીની મેક્સિમા ભાર રિક્ષા પૂરઝડપે, બેફિકરાઈથી અને માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી પાછળથી તેમને ટક્કર મારી હતી. જેના કારણે તેમને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ રિક્ષાચાલક સ્થળ પરથી નાસી ગયો હતો.



































