કોવાયા ગામે આવેલી અલ્ટ્રાટ્રેક કંપનીના યાર્ડમાં ધાડ પાડવાના ગુનાનો મરીન પીપાવાવ પોલીસે ભેદ ઉકેલી છ આરોપીઓને ઝડપી પાડ્‌યા છે. ગત તા. ૯ નવેમ્બરના રોજ બુકાનીધારી શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ૩૦૫ મીટર કોપર કેબલ, જેની કિંમત રૂ.૧,૨૭,૮૫૬ હતી, તેની લૂંટનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ખાનગી બાતમી અને ટેકનિકલ વિશ્લેષણના આધારે છ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા છે. પોલીસે મોબાઇલ, મોટરસાઇકલ, ડસ્ટર કાર, ટ્રેક્ટર-ટ્રોલી, કેબલ કટર, ટોર્ચ અને અન્ય સાધનો સહિત કુલ રૂ.૧૧,૨૪,૮૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓની શોધખોળ ચાલુ છે.