લીલીયા તાલુકાના વાંઘણિયા ગામે ગ્રામજનો દ્વારા ગામની સીમમાં ચાલી રહેલી કથિત ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ, ખનીજ સંગ્રહ અને ભારે વાહનોની અવરજવર સામે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગામમાં પ્રસ્તાવિત બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટના કારણે પર્યાવરણ, ખેતી, પીવાના પાણી, પશુધન અને વન્યજીવો પર ગંભીર અસરો થવાની ભીતિ વ્યક્ત કરી ગ્રામજનોએ નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસની માંગ કરી છે. વાંઘણિયા ગામના ગ્રામજનોએ અમરેલી જિલ્લા કલેક્ટર સમક્ષ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ગામની સીમમાં આવેલી ખાનગી ખેતીની જમીન તેમજ તેની નજીકની ગૌચર જમીન આસપાસ ખનીજ માફિયાઓ દ્વારા કથિત રીતે ગેરકાયદેસર ખનન અને ખનીજ સંગ્રહની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ
પ્રવૃત્તિઓના કારણે જમીનને નુકસાન થવાની સાથે મોટા લોડર અને ટ્રકોની અવરજવર, ઓવરલોડિંગ, ધૂળ-રજકણ અને અવાજના પ્રદૂષણથી સ્થાનિક રહેવાસીઓ તથા આસપાસના વિસ્તારને અસર થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, આ પ્રવૃત્તિ અંગે મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. એટલું જ નહીં, રજૂઆતમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કેટલાક લોકો દ્વારા ધંધાકીય પ્રવૃત્તિ બંધ નહીં થાય અને ફરીથી કામમાં વચ્ચે આવશો તો સારું નહીં થાય તેવી ધમકીઓ આપવામાં આવે છે. ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વાંઘણિયા ગામના પ્રશ્નો અંગે નિષ્પક્ષ તપાસ કરી દસ્તાવેજો જાહેર કરવાની ગ્રામજનોની માંગ

લીલીયા તાલુકાના વાંઘણિયા ગામના ગ્રામજનોએ કથિત ગેરકાયદેસર ખનન અને પ્રસ્તાવિત બાયોમેડિકલ વેસ્ટ પ્રોજેક્ટ મામલે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ પ્રોજેક્ટને લગતા જરૂરી દસ્તાવેજો અને પરીક્ષણ અહેવાલો જાહેર કરવા તેમજ સ્થાનિક ખેડૂતો અને રહેવાસીઓને પોતાની રજૂઆત કરવાની પૂરતી તક આપવા રજૂઆત કરી છે. દરેક વાંધાનો લેખિત અને મુદ્દાસર જવાબ આપવા, પર્યાવરણ અને જાહેર આરોગ્યને ગંભીર જોખમ જણાય તો પ્રોજેક્ટ માટે વૈકલ્પિક સ્થળ પસંદ કરવા વિચારણા કરવાની માંગ કરી છે. પ્રોજેક્ટને મંજૂરી આપતાં પહેલાં પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર થનારી અસરોની નિષ્પક્ષ તપાસ કરવા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પ્રોજેક્ટમાંથી નીકળતા ધુમાડા, દુર્ગંધ, સૂક્ષ્મ કણો અને ભૂગર્ભજળની ગુણવત્તા પર અસર થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. ખેતીની જમીન, પાક અને પશુધનને નુકસાન થવાની પણ આશંકા છે. સર્વે નંબર ૧૦૪ની જમીન પર વન્યજીવોની અવરજવર અને વસવાટ અંગે વન વિભાગનો અભિપ્રાય મેળવી વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાની માંગ ઉઠી છે.હવે જિલ્લા વહીવટી તંત્ર, ખાણ-ખનિજ વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ તંત્ર અને વન વિભાગ કેવાં પગલાં લે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે.