ધારી તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન અને ખનિજ ચોરીની પ્રવૃત્તિઓ સામે મામલતદાર તંત્રએ લાલ આંખ કરી છે. છેલ્લા બે દિવસ દરમિયાન ધારી મામલતદારની ટીમે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા બે ટ્રેક્ટર ઝડપી પાડી ડિટેઇન કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. પાંચ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્રની સતત કાર્યવાહીને પગલે ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. રેતીની ગેરકાયદેસર ચોરી અટકાવવા માટે મામલતદારની ટીમ દ્વારા સઘન તપાસ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. પકડાયેલા વાહનોના માલિકો અને સંચાલકો સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનિજ સંપત્તિની ચોરી અટકાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તંત્રની આ કામગીરી મહત્વપૂર્ણ બની છે.