ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામમાં દીપડાએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે એક દીપડો ફાર્મ હાઉસમાં ઘૂસી ગયો હતો અને ત્યાં રાખવામાં આવેલા અંદાજે ૮૦ દેશી મરઘાંનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. સવારે ફાર્મ હાઉસના માલિકને મરઘાં મૃત હાલતમાં મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.પ્રાપ્ત વિગતો મુજબ દેલવાડા ગામે બાંભણીયા લખમણ મશરીભાઈના ફાર્મ હાઉસમાં રાત્રિના સમયે દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ એક પછી એક મરઘાંનો શિકાર કર્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઘટનાની જાણ થતાં માલિકે થયેલા નુકસાન અંગે ફરિયાદ કરી હતી.દેલવાડા સહિત આસપાસના વિસ્તારોમાં દીપડાની અવરજવર વધતી હોવાની ચિંતાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને ખેતરો અને ફાર્મ હાઉસમાં રહેતા લોકો પોતાના પશુધન અને પાલતુ પ્રાણીઓની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. ગ્રામજનોએ વન વિભાગ તાત્કાલિક સ્થળ તપાસ કરે, દીપડાની અવરજવર અંગે માહિતી મેળવે અને તેને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું ગોઠવે તેવી માંગ ઉઠાવી છે.








































