અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકાના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. વોર્ડ નંબર ૧ના ભાજપના કોર્પોરેટર મધુબેન નારણભાઈ ભરવાડે નગરપાલિકાના સભ્યપદેથી સ્વૈÂચ્છક રાજીનામું આપી દેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડાને સંબોધીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. મધુબેન ભરવાડે પોતાના રાજીનામાના પત્રમાં તબિયત અને પારિવારિક કારણોનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, મારા પતિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું હોવાથી તેમની તબિયત પણ નાદુરસ્ત રહે છે. આ ઉપરાંત કેટલાક કૌટુંબિક કારણોસર તેઓ નગરપાલિકાના સભ્ય તરીકેની જવાબદારી નિભાવી શકે તેમ નથી.
કોર્પોરેટર મધુબેન નારણભાઈ ભરવાડે પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ ધાકધમકી, દબાણ કે પ્રલોભન વિના તેઓ પોતાની મરજી અને સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે અને પક્ષના આગેવાનો રાજીનામાનો સ્વીકાર કરે તેવી અભિલાષા વ્યક્ત કરી છે.
બીજી તરફ, કેટલાક કાર્યક્રમોમાં આમંત્રણ ન મળવા સહિતની બાબતોને લઈને પણ આંતરિક નારાજગી અને ખેંચતાણ હોવાની ચર્ચાઓ સામે આવી છે. જા કે મધુબેન ભરવાડના રાજીનામા સાથે જ બાવળા નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ ઘટીને ૧૩ થઈ ગયું છે, જેના કારણે સત્તાના સમીકરણો પર સીધી અસર પડી શકે છે. કેમકે ભાજપ કુલ ૧૪ બેઠકો સાથે સત્તામાં છે. જ્યારે કોંગ્રેસ પાસે ૧૩ બેઠકો અને બસપા પાસે ૧ બેઠક છે.
બાવળા નગરપાલિકામાં ૨૮ બેઠકો છે. જેમાંથી હાલ બાવળા નગરપાલિકામાં બસપાના ટેકાથી ભાજપ સત્તામાં છે. પરંતુ મધુબેન ભરવાડના રાજીનામા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પાસે ૧૩ – ૧૩ કોર્પોરેટર રહે છે, જ્યારે બસપા પાસે ૧ કોર્પોરેટર છે. સત્તાના સમીકરણો જળવાઈ રહે તે માટે જિલ્લા ભાજપના નેતાઓ સક્રિય થયા છે. પક્ષના આગેવાનો દ્વારા મહિલા કોર્પોરેટર મધુબેન ભરવાડને મનાવવા અને સમગ્ર મામલે સમાધાન સાધવા માટે વાતચીતનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે કેવો વળાંક આવે છે અને રાજીનામાનો સ્વીકાર થાય છે કે પછી મામલો થાળે પડે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.