અંકલેશ્વરમાં દરજીની દુકાનની આડમાં ચાલતા નશાના વેપારનો પર્દાફાશ થયો છે. ભરૂચ એસઓજીની ટીમે અમરતપુરા નજીક આવેલી એક દુકાનમાં દરોડો પાડી અફીણ અને પોસડોડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં રાજસ્થાનના ૪૩ વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
બાતમીના આધારે ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરના અમરતપુરા નજીક આવેલી ચૌધરી ટેલર્સ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી ૯.૯૫૯ કિલો પોસડોડા અને ૨૫૮ ગ્રામ અફીણ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.૨.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનનો ૪૩ વર્ષીય શખ્સ ચૌધરી ટેલર્સની આડમાં નશાનો વેપાર કરતો હતો. દરજીની દુકાન ચલાવવાના બહાને તે અફીણ અને પોસડોડાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી છે કે તેણે આ જથ્થો રાજસ્થાનના મુલારામ પાસેથી મેળવ્યો હતો. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને નેટવર્કની અન્ય કડીઓ શોધવા પ્રયાસ કરાઈ રહ્યા છે.