ગાંધીનગર જિલ્લામાં નશીલા પદાર્થો સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે.એસઓજીની ટીમે ડભોડના શાહપુર ગામ નજીક દરોડો પાડી ૧૬૮ ગ્રામ અફીણ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. ઝડપાયેલો શખ્સ રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
બાતમીના આધારે ગાંધીનગર એસઓજીની ટીમે ડભોડના શાહપુર ગામ નજીક દરોડો પાડ્યો હતો. આ દરમિયાન રાજસ્થાનનો એક શખ્સ અફીણ સાથે પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી મળેલા અફીણની કિંમત રૂ.૮૪ હજાર આંકી છે.
પોલીસે અફીણ ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ અને વજનકાંટા સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આમ, કુલ રૂ.૯૪,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વજનકાંટા મળી આવતાં અફીણનું છૂટક વેચાણ કરવાની પ્રવૃત્તિ હોવાની શક્યતા પોલીસ તપાસી રહી છે. આ મામલે ડભોડ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે રાજસ્થાનથી અફીણ કોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનું હતું.